Friday, May 21, 2010
કોડીલું રાજકોટ કેમ છે? ભાગ-૧
એ સંધાય ને જાજા કરીને રામ-રામ!!!
આ તોલો તપાવી નાખતી ગરમીમાં તમને ઠંડક થાય એવું કૈક લઈને આવ્યો છું...
મૂળ અમે કાઠીયાવાડના સ્વર્ગ ગણાતા રાજકોટના વતની,
પણ કરમ સંજોગે અમદાવાદમાં મંડાણ કરવા પડ્યા છે...
ઈ જાવા દયો, બહુ લાંબી વાત છે, પછી ક્યારેક ડાયરો કરીશું.
અમારા રાજકોટમાં આમ તો એક એકથી ચડિયાતા કલાકારો પડ્યા છે.
મા શારદા સ્વયં જેમની જીભે બિરાજે છે એવા અમારા રંગીલા રાજકોટના અસલી રતન, વિદ્વાન અને વડીલ કવિ શ્રીગુલાબદાનભાઈ બારોટ.
જિંદગીની અણીદાર, ચોટદાર, ધારદાર વાતો અભણ માણસને પણ ગળે ઉતરી જાય એવા અંદાઝમાં કહેવી ગુલાબદાનભાઈ માટે રમત વાત.
આવો આજે ગુલાબદાનભાઈના શબ્દોમાં જ તમને
રાજકોટ, રાજકોટના લોકો, ત્યાનો મિજાજ, આબોહવાનો પરિચય કરાવું...
સલામતી નથી આજે કોઈ શહેરમાં,
સૌ કોઈ રાતે બહાર નીકળતા બીવે છે...
આવો અમારા રાજકોટ શહેરમાં,
હજી સંસ્કૃતિ જીવે છે.
આજી કાંઠે શહેર અમારું,
આજી કાંઠે ડેમ છે...
આવો રોકાવ પછી કહેજો!
કોડીલું રાજકોટ કેમ છે?
મહેમાનોને સ્ટેશને લેવા ચાર વાગ્યે જાગે છે,
મુશ્કેલીમાં મદદ કરવા એ ધંધો મૂકી ભાગે છે...
માનવધર્મમાં માનનારો, જેને રુદિયે રૂડી રહેમ છે,
આવો રોકાવ પછી કહેજો! કોડીલું રાજકોટ કેમ છે?
કળશી જેવડું કુટુંબ હોય; કમાનારો જ્યાં એક છે,
ખવડાવીને ખુશી થાવું એવો જ્યાં વિવેક છે...
તૂટી મરશે ફરજ સમજીને; જ્યાં પોતાપણાનો પ્રેમ છે,
આવો રોકાવ પછી કહેજો! કોડીલું રાજકોટ કેમ છે?
ચીકી, જિંજરા, શેરડીના ભારા, તરબૂચ લઈને ચાખે છે,
તાણી તુણીને તહેવાર ટાણે કુટુંબને ખુશ રાખે છે...
ઉત્સવપ્રિય આ પ્રજાની એક જ ધારી નેમ છે,
આવો રોકાવ પછી કહેજો! કોડીલું રાજકોટ કેમ છે?
રાજકોટની વાત આમ એક ભાગમાં પતે એમ નથી. આ ફીલ્મુની જેમ હવે આપણે પણ સીક્વલું ઠોક્શું. તમતમારે ટાઢકમાં બેઠા બેઠા મોઝું કરતા રહેજો... બહુ જલ્દી આપણો ભેટો થશે. આજીના કાંઠે નહિ, અહિયાં જ!!!
Subscribe to:
Post Comments (Atom)
ભાઈ રાજકોટની વાત નિરાળી છે
ReplyDeleteપણ રાજકોટ કઠીયાવડનું સ્વર્ગ નથી
ઈ તો અમારું મહુવા છે.
આપના બ્લોગમાં દિવસ સાતમાં ખુલાસો કરવો
નહીતો ડોક્ટર કનુભાઈ કલસરિયાના નેતૃત્વ નીચે અમે
મહુવાવાસીઓ ધરણા કરીશું.