Tuesday, June 1, 2010
કુદરતનો કોપ...
કોડીલું રાજકોટ ભાગ-૧ લખ્યો ત્યારે અંદાઝ પણ નહોતો કે મારા રાજકોટનો આ આકર્ષક ગેટ કુદરતના કોપનો ભોગ બનશે અને વાવાઝોડું, વરસાદ બધું તબાહ કરી દેશે...
જયારે પણ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થતા ગર્વથી આ ગેટ સામું જોઇને કહેતા, "જુઓ, અમારા રાજકોટનો ગઢ!!!"
તસવીરકાર મિત્ર શ્રી બિપીનભાઈ ટંકારીયાએ મોકલેલી આ તસ્વીરો ઘણું બોલે છે.
આ વાવાઝોડાને કદાચ ગમે તે નામ આપીએ પણ, અમે રાજકોટવાસીઓ ૧ જુનને 'કાળો મંગળવાર' જ કહીશું.
આ ગેટ પહેલા જેવો બનશે એની મને ખાતરી છે, પણ...
કુવાડવા રોડ પર આખા ગામથી છુપાતા સિગરેટ પીવા જતા ત્યારે જ્યાં ભેગા થતા એ ગેટની યાદો હમેશા અકબંધ રહેશે દિલ-ઓ-દિમાગમાં...
Friday, May 21, 2010
જિંદગી: શેરડીના સાંઠા જેવી!!!
આજે છાપાં વાંચ્યા તો માથાના મોવાળા ઊંચા થઇ ગયા.
"ગરમીનો આતંક: ૧૯ ઉકલી ગયા: ઇડર ૪૮.૫!"
રાણકદેવીએ જ્યાં હાથ મુકીને ગઢ ગીરનારનો તોતિંગ પત્થર રોકી લીધો હતો,
ઈ જૂનાગઢની એક કન્યા તો ચાલુ લગને જ ચકરી ખાઈને ધડુમ કરતી પડી ગઈ.
લ્યો બોલો! આ અત્યારની છોડિયું પણ...
ભૂખી રહીને ટીટમાખડી થવાના ખોટા ઉધામા કરે ને પછી પડી જાય.
આતો આજુ બાજુની જનરલ વાતું કરી...
મૂળ અમારો સ્વભાવ થોડોક...
સમજી ગયા ને???
જમાવી ડાયરાઓ મ્હાલનારા અમે કાઠીયાવાડી...
ભલા-ભોળા, સીધા રસ્તે જનારા અમે કાઠીયાવાડી!!
આ સાળી જિંદગી પણ ખરી છે, કેમ?
શેરડીના સાંઠા જેવી.
માંડ માંડ મજા આવે, રસ આવે, ત્યાં જ ગાંઠ આવી જાય!
સાંઠો પૂરો થઇ જાય પણ ગાંઠ પીછો નો મુકે.
ઘણાંય બીચાડા આમ નમ મારી જતા હોય છે.
લેણાં ભરાય જાય, થોડીક શાંતિ થાય અને વિચારે કે ગાડી છોડાવું ત્યાં જ...
ગુમડાં થાય અને ઈ પણ એવા ઠેકાણે કે પાર્ટી મુંજાય જાય.
આને કરમની કઠણાંયું કહેવાય.
અને કેટલીક એવી નોટું પણ હોય છે જેને ક્યારેય મોંઘવારી નડતી જ નથી, બાપુ!
પંખા વિનાની, ખાલી ધરિયુંવાળી સાયકલ ધોડાવતા જાય અને ગામની પથારી ફેરવી દે મારા દીકરાઓ.
આવા લોકો છકડો રીક્ષા જેવી જિંદગી જીવતા હોય છે...
સાઈડ આપેય નહિ ને કાપેય નહિ!!!
તમે લીવર આપો તો મારો બેટો ઈ પણ આપે.
આને કેમ કરીને પુગવું?
કોડીલું રાજકોટ કેમ છે? ભાગ-૧
એ સંધાય ને જાજા કરીને રામ-રામ!!!
આ તોલો તપાવી નાખતી ગરમીમાં તમને ઠંડક થાય એવું કૈક લઈને આવ્યો છું...
મૂળ અમે કાઠીયાવાડના સ્વર્ગ ગણાતા રાજકોટના વતની,
પણ કરમ સંજોગે અમદાવાદમાં મંડાણ કરવા પડ્યા છે...
ઈ જાવા દયો, બહુ લાંબી વાત છે, પછી ક્યારેક ડાયરો કરીશું.
અમારા રાજકોટમાં આમ તો એક એકથી ચડિયાતા કલાકારો પડ્યા છે.
મા શારદા સ્વયં જેમની જીભે બિરાજે છે એવા અમારા રંગીલા રાજકોટના અસલી રતન, વિદ્વાન અને વડીલ કવિ શ્રીગુલાબદાનભાઈ બારોટ.
જિંદગીની અણીદાર, ચોટદાર, ધારદાર વાતો અભણ માણસને પણ ગળે ઉતરી જાય એવા અંદાઝમાં કહેવી ગુલાબદાનભાઈ માટે રમત વાત.
આવો આજે ગુલાબદાનભાઈના શબ્દોમાં જ તમને
રાજકોટ, રાજકોટના લોકો, ત્યાનો મિજાજ, આબોહવાનો પરિચય કરાવું...
સલામતી નથી આજે કોઈ શહેરમાં,
સૌ કોઈ રાતે બહાર નીકળતા બીવે છે...
આવો અમારા રાજકોટ શહેરમાં,
હજી સંસ્કૃતિ જીવે છે.
આજી કાંઠે શહેર અમારું,
આજી કાંઠે ડેમ છે...
આવો રોકાવ પછી કહેજો!
કોડીલું રાજકોટ કેમ છે?
મહેમાનોને સ્ટેશને લેવા ચાર વાગ્યે જાગે છે,
મુશ્કેલીમાં મદદ કરવા એ ધંધો મૂકી ભાગે છે...
માનવધર્મમાં માનનારો, જેને રુદિયે રૂડી રહેમ છે,
આવો રોકાવ પછી કહેજો! કોડીલું રાજકોટ કેમ છે?
કળશી જેવડું કુટુંબ હોય; કમાનારો જ્યાં એક છે,
ખવડાવીને ખુશી થાવું એવો જ્યાં વિવેક છે...
તૂટી મરશે ફરજ સમજીને; જ્યાં પોતાપણાનો પ્રેમ છે,
આવો રોકાવ પછી કહેજો! કોડીલું રાજકોટ કેમ છે?
ચીકી, જિંજરા, શેરડીના ભારા, તરબૂચ લઈને ચાખે છે,
તાણી તુણીને તહેવાર ટાણે કુટુંબને ખુશ રાખે છે...
ઉત્સવપ્રિય આ પ્રજાની એક જ ધારી નેમ છે,
આવો રોકાવ પછી કહેજો! કોડીલું રાજકોટ કેમ છે?
રાજકોટની વાત આમ એક ભાગમાં પતે એમ નથી. આ ફીલ્મુની જેમ હવે આપણે પણ સીક્વલું ઠોક્શું. તમતમારે ટાઢકમાં બેઠા બેઠા મોઝું કરતા રહેજો... બહુ જલ્દી આપણો ભેટો થશે. આજીના કાંઠે નહિ, અહિયાં જ!!!
Wednesday, April 28, 2010
રેગિસ્તાન...
ગીરગઢડાના મારા કવિમિત્ર શ્રી હરેશ કાનાણી ડાયરેક દિલમાં ઉતરી જાય એવું લખવાની માસ્ટરી ધરાવે છે.
તેજાબી કલમના સહારે હરેશભાઈ જે માર્મિક ઘા મારી જાય છે એ અદ્દભુત હોય છે.
વાંચવા જેવી, સમજવા જેવી એક અછાંદસ રચના...
રેગિસ્તાન...
તને
રમાડવા
તને છાનો રાખવા
બનતા હતા
ઊંટ, તો ક્યારેક ઘોડો!
પણ
અમને ક્યાં ખબર હતી કે
એ
ઊંટ કે ઘોડાને
તું
મૂકી આવીશ
બળબળતા રેગિસ્તાનમાં...!
– હરેશ કાનાણી
ગીરગઢડા
એ તમારા હમ..!!!
એ તમારા હમ, મને તમે વહાલા છો..!!!
કેમ છો દોસ્તો???
આ કરમની કઠણાયું તો જુઓ....
મહિનાઓ થઇ ગયા પણ તમને મળાતું જ નથી...
વાત જરા એમ છે કે હમણાથી કડવો બરાબરનો ફસાઈ ગયો છે.
કેહવું પણ કોને જઈને?
કુવાડી ગોતીને ઉપર પગ ઠોકયો છે મેં.!!
હા, દુખે છે... પણ શું કરું?
ચાલો, એ સંધુય ગ્યું ઘરે.
આપણે મોઝું કરવાની તો ચાલુ જ રાખવી છે.
Wednesday, January 13, 2010
૩ ડોબા!!!
આ હમણાથી સંધીય કોર '૩ ઇડીયટ્સ'ની જ વાહ-વાહી થઇ રઈ છે.
આજે તમને કડવો '૩ ડોબા'ની વાર્તા કરવાનો છે.
વિધુ વિનોદ ચોપરા આપણી વાર્તાનો પેલો ડોબો છે.
આ ભાઈએ ૧૯૮૯માં 'પરિંદા' જેવી ફિલમ બનાવીને નામ કાઢ્યું પણ...
એની બાકીની ફિલ્મું દમ વગરની છે...
માનવામાં નથી આવતું ને?
સારું લ્યો... એને '૯૮માં એક ધોબીની પ્રેમકથા જેવી 'કરીબ' બનાવી હતી...
આ ફિલમ એટલી 'ગરીબ' હતી કે જોનારા રાતા આંહુંડે રોયા...
ચોપરાને રાજકુમાર હિરાણીના રૂપમાં લોટરી લાગી ગઈ છે...
આખા ગામને 'મુન્નાગીરી' શીખવાડીને આ બન્ને ઢગલો ફદિયાં કમાયા...
આ બે ડોબા મળ્યા ફીલ્મુના બટકબોલા આમીર ખાનને...
આમીરને તો હાલતી ગાડીએ બેહી જાવાની જનમજાત ટેવ છે...
બસ અહીંથી જ બિચારા ચેતન ભગતની પથારી ફરી ગઈ...
એને બળ કરીને એક ચોપડી લખી હતી અને એના ઉપરથી જ આ ત્રણેય ડોબાઓએ આ ફિલમ બનાવી નાખી...
હવે મજા જોવો... એમને ચેતનને નામ આપવાના બદલે એની જ બઝાવવાની ચાલુ કરી દીધી!
એલા ડોબાઓ ક્યારેક નવરા થઈને ગામની નિહાળુંમાં ગુડાવ...
તમને બતાવું કે તમે કહો છો એવા જડના પેટના માસ્તરું ક્યાય નથી રહ્યા...
નીકળી હાલ્યા ફિલ્મું બનાવવા...
તમને તો ચેતનની અને આખા લેખક સમાજની હાય નો લાગે તો આ કડવાનું નામ બદલી નાખજો...
તમને તો ગાયળુ દઉં તોય મને પાપ નો લાગે...
સ્ટીલના કીડાવ પડશે તમને તો...
Saturday, January 9, 2010
કરો કંકુના..!!!
એ સંધાયને ઝાઝા કરીને સાલ-મુબારક...
અને વહાલ-મુબારક...
જુવાનીયાવને એમના "માલ" મુબારક!!!
જે હજીય એમને એમ લટકે છે ઈ વાંઢાવને એમના આ હાલ મુબારક...
(ઈ સંધાય "લખણે" જ રખડે છે!!!)
પણ માથાના મોવાળા ખરી જાય એવી કાહટી નહિ કરવાની.
એક વાત યાદ રાખો...
ભગવાને સંધાય સાટું એક ટીડડું તો તૈયાર રાખ્યું જ હોય છે...
મળે એટલે ચોંટી જ જવાનું...
નહિ તો આ વરહે પણ હરાયાં ઢોરની ઘોયડે આંટા ફેરા અને આશીર્વાદ કરજો...
પછી માથે નો ચઢી જાતા કે કડવાએ કીધું નો'તું...
તો હાલો સૌ હાર્યે આ વરહે નક્કી કરીએ કે...
૨૦૧૧માં તો મેળ પાડી જ દેઈશું...
ઈમાં એવું કાઠું કંઈ નથી...
મારી હાર્યે ફરો, આવડી જાહે...
તો હાલો... કરો કંકુના...
Subscribe to:
Posts (Atom)